Mahamari Shanti Prarthana

હે પરમ કૃપાળુ દેવ!
કોરોના વાયરસનો વિકરાળ પંજો વિશ્વને ચારે બાજુથી ભીડી રહ્યો છે,
ત્યારે અમે ભય પામી રહ્યા છીએ!
જગતમાં, અમારા દેશમાં અને અમે જ્યાં વસીએ છીએ એ વિસ્તારમાં
કોરોનાથી ગ્રસ્ત દરદીઓનો આંકડો દિવસ–રાત વધી રહ્યો છે
ત્યારે અમારું, અમારા સ્વજનોનું શું થશે એવો અમને ભય લાગે છે.

હે કૃપાનાથ!
અમે ભયના અણધાર્યા ઉદ્રેકથી, અપરિચિત સંકટથી અને અશુભ સમાચારોથી
ગભરાઈ જઈ અમારી સ્થિરતા ગુમાવી બેસીએ છીએ,
અશાંતિના વંટોળમાં અટવાઈ જઈએ છીએ.
આપ કૃપા કરીને આ સઘળાની સામે પડવાનું અમને બળ આપશો.

હે અભયદાતા!
આપનાં ચરણોમાં પ્રણત થઈને નિવેદન કરીએ છીએ.
અમને આ ભયના અફાટ દાવાનળની પાર ઉતારો.

હે ભયભંજક નાથ!
આપનો યથાર્થ આશ્રય અમને ક્યાં ક્યાં બચાવતો નથી!
પરિસ્થિતિનાં તોફાન હોય કે પરિણતિનાં,
કોરોનારૂપી બહિરંગ શત્રુ હોય કે ભયરૂપી અંતરંગ શત્રુ,
આપની ભક્તિ અમને હર સ્થળે અને હર પળે ઘટનાતીત બનાવી ઉગારી જ લે છે.

અમને શ્રદ્ધા છે ભગવાન!
આપના પસાયે અમારો કોરોના વાયરસ સંબંધી સઘળો ભય
મટી જશે અને રહેશે આપની કરુણાના અહેસાસથી સ્ફૂરતો અહોભાવ!
આપની કૃપાથી સર્વત્ર પ્રસરેલ ભય શમી જાય
અને વિશ્વમાં ફરી શાંતિ, સલામતી, સ્વસ્થતા
સ્થાપિત થાય એ આપનાં ચરણોમાં પ્રાર્થના.

હે પ્રભુ!
પરિસ્થિતિને પલટવી એ અમારા હાથની વાત નથી,
પરંતુ આપના બોધબળે અમારી મનોસ્થિતિ અમે અવશ્ય પરિવર્તિત કરી શકીએ.
જીવનની ગમે તેવી કસોટીનો સામનો કરવા માટે
અમારી અમર્યાદિત શક્તિઓથી અમને સભાન કરાવો.
આપનાં સ્વરૂપજાગૃતિપ્રેરક વચનોના અવલંબને અમે આત્મભાવમાં રહીએ
એ વિનયભાવે યાચના.

ॐ શાંતિ: શાંતિ: શાંતિ:



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link